વાપી, તા. ૨૧/૦૮/૨૦૨૬: વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠક આજે સ્થાયી સમિતિના અધ્યક્ષશ્રી સતીશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકના પ્રારંભે અધ્યક્ષશ્રીએ ઉપસ્થિત તમામ ચૂંટાયેલા કાઉન્સિલરો તથા અધિકારી-કર્મચારીઓનું સ્વાગત કરી બેઠકની શરૂઆત કરી હતી.
બેઠકમાં સૌપ્રથમ ગત તા. ૧૩/૦૮/૨૦૨૬ના રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ વિકાસલક્ષી અને વહીવટી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
*પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૪૪ આવાસોનું આયોજન*
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત અર્બન હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવનાર આવાસોના ડીપીઆરને મંજૂરી માટે સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
આ અંગે અધ્યક્ષશ્રી સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વાપી મહાનગરપાલિકા દ્વારા મોજે બલીઠા, વાપી ખાતે કુલ રૂ. ૧૮૯૯.૫૭ લાખના ખર્ચે ૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવનાર છે. દેશના દરેક જરૂરિયાતમંદ નાગરિકને પોતાના સપનાનું ઘર મળી રહે તેવા ઉમદા હેતુથી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૪ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ લોન્ચ કરવામાં આવી હતી.
આ યોજના હેઠળ મુખ્યત્વે ચાર ઘટકોનો સમાવેશ થાય છે:
1. BLC (Beneficiary Led Construction): લાભાર્થીને પાકું ઘર બનાવવા માટે સરકારશ્રી તરફથી રૂ. ૪ લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
2. AHP (Affordable Housing in Partnership): શહેરી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે પરવડે તેવા આવાસોનું નિર્માણ કરી કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવે છે.
3. ARH (Affordable Rental Housing): ખાલી પડેલા અથવા જૂના આવાસોના પુનઃનિર્માણ/પુનઃવિકાસ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ભાડે આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
4. ISS (Interest Subsidy Scheme): લાભાર્થી દ્વારા લોન મારફતે ખરીદવામાં આવેલા મકાન પર સરકારશ્રી દ્વારા મહત્તમ રૂ. ૧.૮૦ લાખ સુધીની વ્યાજ સબસિડી આપવામાં આવે છે.
વાપી મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા AHP – Green Field ઘટક હેઠળ વાપીના નગરજનોને આર્થિક રીતે પરવડે તેવા આવાસો ઉપલબ્ધ કરાવવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે ભારતના કોઈપણ સ્થળે પોતાનું પાકું મકાન ન હોવું જોઈએ, વાર્ષિક આવક રૂ. ૩ લાખથી ઓછી હોવી જોઈએ તેમજ લાભાર્થી પરિણીત હોવો જરૂરી છે.
બલીઠા ખાતે EWS-1 પ્રકારના 35 ચો.મી. કાર્પેટ એરિયા ધરાવતા 1 BHK આવાસોનું નિર્માણ કરવામાં આવશે. એક આવાસની મહત્તમ કિંમત રૂ. ૭ લાખ રાખવામાં આવનાર છે. આ પ્રોજેક્ટથી શહેરના આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોને સીધો લાભ મળશે.
આ અંગે વિસ્તૃત ચર્ચા બાદ રજૂ કરાયેલા ડીપીઆરને મંજૂરી આપી આગામી સામાન્ય સભાને મંજૂરી અર્થે મોકલવાનો નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.
*સફાઈ વિભાગના જૂના સાધનોની હરાજી*
વાપી મહાનગરપાલિકાના સેનેટેશન વિભાગમાં પડેલા જૂના તથા વણવપરાશી સાધનોની હરાજી માટે મંગાવવામાં આવેલા ટેન્ડર અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલા ભાવો ગ્રાહ્ય રાખી નિયમોનુસાર હરાજી કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
*પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો નિર્ણય*
નગરજનોને સમયસર અને નિયમિત પીવાનું પાણી મળી રહે તે હેતુસર પાણી વિભાગને વધુ સુદૃઢ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પાણીના વાલ્વનું સુચારુ સંચાલન અને ઓપરેશન થઈ શકે તે માટે વધુ ચાર વાલ્વમેન તથા રોજ એક ઇલેક્ટ્રિશિયનને કરાર આધારિત ધોરણે હંગામી રીતે રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે જરૂરી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની સત્તા નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીને સોંપવામાં આવી હતી.
*સફાઈ વ્યવસ્થાના મોનીટરીંગ માટે ચાર સબ-સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક*
વાપી મહાનગરપાલિકાની અતિ મહત્વપૂર્ણ સફાઈ કામગીરીનું સતત અને અસરકારક મોનીટરીંગ થઈ શકે તથા વાપી શહેરને વધુ સ્વચ્છ અને સુંદર રાખી શકાય તે હેતુથી વધુ ચાર સબ-સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગેની જરૂરી કાર્યવાહી કરવાની સત્તા પણ નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપવામાં આવી હતી.
*મનપામાં ભળેલા ૧૧ ગામોમાં નિયમિત પાણી પુરવઠા માટે આગોતરું આયોજન*
વાપી મહાનગરપાલિકામાં ભળેલા ૧૧ ગામોમાં હાલ પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આગામી સમયમાં આ વિસ્તારોમાં પાણી પુરવઠો નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી આગોતરું આયોજન કરવા અધ્યક્ષશ્રીએ સૂચના આપી હતી.
પાણી પુરવઠા સમિતિના ચેરમેનને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા-વિચારણા કરી ૧૧ ગામોમાં નિયમિત પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવા જણાવાયું હતું. જ્યાં જરૂરિયાત જણાય ત્યાં નવી પાણી વિતરણ લાઇન નાખવા સહિતની જરૂરી કામગીરી હાથ ધરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આગામી ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અત્યારથી જ પાણીના પૂરતા જથ્થા અને વિતરણ વ્યવસ્થા અંગે આગોતરું આયોજન કરવામાં આવે જેથી નગરજનોને પાણીની તકલીફ ન પડે તે અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
‘નવજીવન યોજના’ હેઠળ પાણી પુરવઠા સંબંધિત કામો હાથ ધરવા સૂચના
રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા યોજનાના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે ‘નવજીવન યોજના’ હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવનાર હોવાથી પાણી પુરવઠા સંબંધિત જરૂરી ઓપરેશન, મેઇન્ટેનન્સ તથા અન્ય જરૂરી કામો આ યોજના હેઠળ લેવા માટે જરૂરી દરખાસ્ત સરકારશ્રી સમક્ષ રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના આવાસ, પાણી પુરવઠા, સફાઈ અને નગરસેવાઓને વધુ અસરકારક બનાવવા અંગે લેવાયેલા વિવિધ નિર્ણયો વાપી મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
Tags
@#