*વાપી મહાનગરપાલિકા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી।

*મેયરશ્રીમતી દક્ષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન*

વાપી મહાનગરપાલિકા ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સમગ્ર પરિસર દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

ધ્વજવંદન બાદ મેયરશ્રી દક્ષાબેન પટેલે ઉપસ્થિત નગરજનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓને ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

પોતાના સંબોધનમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે, “આજે આપણે આપણા દેશનો સૌથી ગૌરવપૂર્ણ દિવસ ઉજવી રહ્યા છીએ. આઝાદી આપણને સરળતાથી મળી નથી. દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારત માતાની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને અનેક સંઘર્ષો તથા બલિદાન બાદ આપણને સ્વતંત્રતા અપાવી હતી. આવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશ માટે બલિદાન આપનાર તમામ વીર સપૂતોને આજે આપણે હૃદયપૂર્વક નમન કરીએ છીએ.”

મેયરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યો છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસ, સુશાસન અને જનસેવાના ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે.

સરકારશ્રીની ગ્રાન્ટથી વાપીના વિકાસને વધુ વેગ

વાપી શહેરના વિકાસ અંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે, આપણા સૌના લોકલાડીલા અને વાપીના પનોતા પુત્ર, ગુજરાત રાજ્યના માનનીય નાણાં તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વાપી શહેર પણ વિકાસ અને પ્રગતિના પંથે સતત આગળ વધી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારશ્રી દ્વારા વાપી શહેરના સર્વાંગી અને ઝડપી વિકાસ માટે ફાળવવામાં આવેલી વિશેષ ગ્રાન્ટના માધ્યમથી શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ગ્રાન્ટનો મહત્તમ અને સુવ્યવસ્થિત ઉપયોગ કરીને વાપી શહેરમાં જરૂરી માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે તેમજ નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવશે.

શહેરના રસ્તાઓ, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ, સ્વચ્છતા, જાહેર સુવિધાઓ, બ્યુટિફિકેશન સહિતની વિવિધ જરૂરિયાતોને પ્રાથમિકતા આપી વિકાસના કામોને ગતિ આપવામાં આવશે. સરકારશ્રીના સહયોગ, માનનીય મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન અને વાપી મહાનગરપાલિકાના આયોજનબદ્ધ પ્રયાસોથી વાપી શહેરને વધુ આધુનિક, સુવિધાયુક્ત અને વિકસિત શહેર બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે, તેમ મેયરશ્રીએ જણાવ્યું હતું.

વાપીના સર્વાંગી વિકાસ માટે માનનીય મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન, સહયોગ અને સતત પ્રયત્નો બદલ મેયરશ્રીએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

વિકાસયાત્રામાં નાગરિકોની ભાગીદારી જરૂરી

મેયરશ્રીએ નગરજનોને વિકાસયાત્રામાં સક્રિય ભાગીદાર બનવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, દેશ અને શહેરનો વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ તેમાં દરેક નાગરિકની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

આપણે સૌ વાપી શહેરને સ્વચ્છ રાખીએ, પર્યાવરણનું રક્ષણ કરીએ, ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તથા આપણા બાળકોને સારું શિક્ષણ અને સારા સંસ્કારો આપીએ. વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી શહેરને વધુ સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વિકાસયાત્રામાં નગરજનોનો સક્રિય સહયોગ અત્યંત જરૂરી છે.

આ પાવન અવસરે સૌએ સંકલ્પ કર્યો હતો કે, “સ્વચ્છ, સુંદર અને વિકસિત વાપી તથા મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપણે સૌ પોતાનું યથાશક્તિ યોગદાન આપીશું.”

કાર્યક્રમના અંતે દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશની સુરક્ષા માટે શહીદ થયેલા વીર જવાનોને હૃદયપૂર્વક નમન કરવામાં આવ્યું હતું.

ઉક્ત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શ્રી મિતેશ દેસાઈ, ચૂંટાયેલા કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર શ્રી એન. એફ. ચૌધરી (IAS), ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કિરણસિંહ રાણા, મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, મોટી સંખ્યામાં નગરજનો, શાળાના બાળકો તથા વ્હોરા સમાજના અગ્રણીઓ પોતાના બેન્ડ સાથે ઉપસ્થિત રહ્યા હતા. વ્હોરા સમાજના બેન્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિના સંગીતથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

વાપી મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીમાં દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને વિકાસનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો।

Post a Comment

Previous Post Next Post