પાણી-સેનિટેશન માટે સરકારી જમીનથી લઈ સર્વિસ રોડ પહોળો કરવા સુધીના નિર્ણયો મંજૂર — પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટને પણ બહાલી
વર્ગ-૩ની ભરતી-બઢતીના નિયમોને મંજૂરી | ગીતાનગર પ્રાથમિક શાળાના નવા મકાન માટે જમીન ઉપલબ્ધ કરાવવા સહકારની ખાતરી
વાપી, તા. ૩૧/૦૮/૨૦૨૬
વાપી મહાનગરપાલિકાની સામાન્ય (સાધારણ) સભાની મહત્વપૂર્ણ બેઠક આજે તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે મેયરશ્રીમતી દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલા મીટિંગ હોલ ખાતે યોજાઈ હતી. વાપી શહેરના માળખાકીય વિકાસ, પાણી પુરવઠો, સેનિટેશન, માર્ગ વ્યવસ્થા, આવાસ અને મહાનગરપાલિકાના વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સભામાં ચર્ચા થઈ હતી અને મોટા ભાગના તમામ એજન્ડા મુદ્દાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
સભાની શરૂઆત મેયરશ્રીમતી દક્ષાબેન પટેલ દ્વારા ઉપસ્થિત તમામ ચૂંટાયેલા કાઉન્સિલરો, અધિકારી-કર્મચારીઓ, પ્રિન્ટ મીડિયા તથા પત્રકાર મિત્રો અને નગરજનોના સ્વાગત સાથે થઈ હતી. ત્યારબાદ વંદે માતરમના ગાન સાથે સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી. સભાના સંચાલનની જવાબદારી ડેપ્યુટી મેયરશ્રી મિતેશભાઈ દેસાઈને સોંપવામાં આવી હતી.
નગરજનોને પ્રેક્ષક ગેલેરીમાં નિયમોનુસાર પ્રવેશ
સૌપ્રથમ તા. ૩૧/૦૭/૨૦૨૬ના રોજ યોજાયેલી સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન સભ્યશ્રી ખંડુભાઈ પટેલે પ્રેક્ષક ગેલેરીમાં નગરજનોને સભા નિહાળવા માટે નિયમોનુસાર પ્રવેશ આપવા અંગે રજૂઆત કરી હતી.
ડેપ્યુટી મેયરશ્રી મિતેશભાઈ દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે સભાખંડની ક્ષમતાને ધ્યાનમાં રાખીને વહેલા તે પહેલાના ધોરણે પાસ આપીને નગરજનોને પ્રવેશ આપવામાં આવશે, જેથી સભાની કામગીરી દરમિયાન કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય. આ અંગે સભ્યશ્રી ખંડુભાઈ પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ગત સભાની કાર્યવાહી નોંધને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
પાણી પુરવઠા અને સેનિટેશન માટે સરકારી જમીન મેળવવાની પ્રક્રિયાને મંજૂરી
તા. ૧૩/૦૮/૨૦૨૬ના રોજ મળેલી સ્થાયી સમિતિની ભલામણ મુજબ વાપી મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી વહીવટી ખર્ચની ગ્રાન્ટ અંતર્ગતના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
શહેરમાં પાણી પુરવઠા અને સેનિટેશન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી જરૂરી સરકારી જમીન મહાનગરપાલિકાને ઉપલબ્ધ કરાવવા માટે કલેક્ટરશ્રીને કરવામાં આવેલી દરખાસ્તને પણ સભાએ સર્વાનુમતે મંજૂરી આપી હતી.
આ નિર્ણયથી ભવિષ્યમાં પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત સુવિધાઓના આયોજન અને વિસ્તરણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાનો માર્ગ વધુ સરળ બનશે.
અન્ડરપાસ-અન્ડરબ્રિજ સાથે જોડાયેલા સર્વિસ રોડના વિસ્તરણને મંજૂરી
બલીઠા ખાતે કાર્યરત નવા અન્ડરપાસથી કસ્ટમ ફ્રન્ટિયર રોડને જોડતા ચલા ચોકી ફળિયા તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮થી વલસાડ રોડને જોડતા નવા અન્ડરબ્રિજને લાગુ સર્વિસ રોડને પહોળો કરવા માટે જરૂરી રસ્તા સંપાદનની કાર્યવાહી અંગેની બહાલીને પણ સામાન્ય સભાએ મંજૂરી આપી હતી.
આ મુદ્દે સભ્યશ્રી ખંડુભાઈ પટેલે રજૂઆત કરી હતી કે, રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન કોઈ ગરીબ પરિવારના ઘર કે રહેણાંક મકાનને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે.
જવાબમાં ડેપ્યુટી મેયરશ્રી મિતેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર કામગીરી નિયમો અને સરકારશ્રી દ્વારા નિયત ધારાધોરણો મુજબ જ કરવામાં આવશે તથા સંપાદનની જરૂરી કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્તોને નિયમોનુસાર યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. ત્યારબાદ આ મુદ્દાને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
વર્ગ-૩ની ભરતી-બઢતીના નિયમોને મંજૂરી
વાપી મહાનગરપાલિકા હસ્તકની વર્ગ-૩ની જગ્યાઓ માટે તૈયાર કરવામાં આવેલા ભરતી તથા બઢતીના નિયમોને પણ સામાન્ય સભા દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં માનવબળની ભરતી અને કર્મચારીઓની બઢતી માટે નિયમબદ્ધ માળખું ઉપલબ્ધ બનશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટને બહાલી
સભાના અંતિમ એજન્ડા મુદ્દા તરીકે તા. ૨૧/૦૮/૨૦૨૬ની સ્થાયી સમિતિની ભલામણ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ અંતર્ગત AHP (Green Field) પ્રોજેક્ટના DPRને બહાલી આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચા બાદ પ્રોજેક્ટના DPRને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી વાપી શહેરમાં આવાસની જરૂરિયાત ધરાવતા પાત્ર લાભાર્થીઓ માટે ભવિષ્યમાં વધુ સુવિધાયુક્ત અને આયોજનબદ્ધ આવાસ વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.
ગીતાનગર પ્રાથમિક શાળાના નવા મકાન માટે રજૂઆત
સભાના અંતે સભ્યશ્રી અજયભાઈ મેહતાએ ગીતાનગર પ્રાથમિક શાળાના મકાન અંગે ચિંતા વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓ માટે નવા શાળા મકાનના નિર્માણની માંગણી કરી હતી.
આ અંગે ડેપ્યુટી મેયરશ્રી મિતેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નવી શાળાના મકાનના નિર્માણ માટે યોગ્ય સ્થળે જરૂરી જમીનની ઉપલબ્ધતા જરૂરી છે. તેમણે સભ્યશ્રી અજયભાઈ મેહતાને આ બાબતે જરૂરી સહકાર આપવા વિનંતી કરી હતી. સભ્યશ્રીએ પણ જરૂર જણાય ત્યારે જમીન ઉપલબ્ધ કરાવવા માટે સંમતિ દર્શાવી હતી.
વિકાસલક્ષી નિર્ણયો સાથે સભાનું સમાપન
આમ, આજની સામાન્ય સભામાં વાપી શહેરના માળખાકીય વિકાસ, માર્ગ સુવિધા, પાણી પુરવઠો, સેનિટેશન, આવાસ, મહાનગરપાલિકાના વહીવટી માળખા તથા શૈક્ષણિક સુવિધાઓ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સભામાં રજૂ થયેલા એજન્ડાના મુદ્દાઓને સર્વાનુમતે મંજૂરી મળતાં શહેરના વિકાસને વધુ ગતિ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.
અન્ય કોઈ મુદ્દો બાકી ન રહેતાં સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
આ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેનશ્રી સતીશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી ધર્મેશભાઈ પટેલ, દંડકશ્રીમતી સંગીતાબેન તિવારી, વિરોધ પક્ષના નેતાશ્રી પીરૂભાઈ મકરાણી, કમિશનરશ્રી એન.એફ. ચૌધરી (IAS), નાયબ કમિશનરશ્રી કિરણસિંહ રણા, નાયબ કમિશનરશ્રી વિશાલ પટેલ સહિત વિવિધ શાખાના વિભાગીય અધિકારીઓ, અધિકારી-કર્મચારીઓ તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।
Tags
@#