વિવિધ સરકારી તથા મહાનગરપાલિકાની સેવાઓનો ૧૩૦૫ નગરજનોએ લાભ લીધો
વાપી, તા. ૦૩/૧૦/૨૦૨૬
ગુજરાત સરકારશ્રીના રાજ્ય વહીવટમાં પારદર્શિતા વધારવા તેમજ પ્રજાજનોની વ્યક્તિગત રજૂઆતો અને અરજીઓનો ઝડપી તથા અસરકારક નિકાલ થાય તેવા હેતુથી વાપી મહાનગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. એફ. ચૌધરી (IAS)ના માર્ગદર્શન હેઠળ “સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ તા. ૦૩/૧૦/૨૦૨૬, શનિવારના રોજ પ્રાથમિક શાળા, ચણોદ, ચણોદ ઝોન ઓફિસની સામે યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન વાપી મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી વિભાગના માજી ધારાસભ્યશ્રી પીયુષભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
વિવિધ વિભાગોની સેવાઓનું સ્થળ પર નિરીક્ષણ
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન મેયરશ્રી દક્ષાબેન પટેલ તથા પીયુષભાઈ દેસાઈએ વિવિધ વિભાગોની મુલાકાત લઈ નગરજનોને સ્થળ પર પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને વિવિધ વિભાગના કર્મચારીઓને નગરજનોની રજૂઆતોનો ઝડપી, સરળ અને અસરકારક રીતે નિકાલ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
કાર્યક્રમ દરમિયાન મેયરશ્રી દક્ષાબેન પટેલ તથા પીયુષભાઈ દેસાઈના હસ્તે પ્રાથમિક શાળા, ચણોદ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા શહેરના નિર્માણ માટે નગરજનોને પણ વૃક્ષારોપણ તથા વૃક્ષોના જતન માટે પ્રેરણા આપવામાં આવી હતી.
“આંગણવાડી મિલન સેવા” અંતર્ગત બાળકો સાથે મુલાકાત
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત “આંગણવાડી મિલન સેવા” કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં મેયરશ્રી તથા પીયુષભાઈ દેસાઈએ આંગણવાડીની મુલાકાત લઈ આંગણવાડી કાર્યકરોનું સન્માન કર્યું હતું. તેમજ ઉપસ્થિત બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૧૩૦૫ નગરજનોએ વિવિધ સેવાઓનો લાભ લીધો
વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં નગરજનોને વિવિધ સરકારી યોજનાઓ તથા મહાનગરપાલિકાની સેવાઓનો લાભ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કુલ ૧૩૦૫ નગરજનોએ વિવિધ યોજનાઓ તથા સેવાઓનો લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Tags
@#