મહાઅભિયાનમાં ૧૧૦૦થી વધુ મિલકતધારકો પાસેથી રૂ. ૮૦ લાખની વસૂલાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા કમિશનરશ્રી એન. એફ. ચૌધરીએ વર્ષોથી નોટિસો આપવા છતાં વેરો ન ભરનારાઓ સામે કડક પગલાં લેવાના આદેશ આપ્યા હતા. જેના પગલે ટેક્ષ વિભાગના હેડ ક્લાર્ક રાકેશ ઠક્કરની આગેવાનીમાં કર્મચારીઓ દીપક ચભાડિયા, ધર્મિન આહીર, શુભમ પટેલ, કુણાલ પટેલ, શિવપ્રસાદ જોશી, સુરેશ બાવળીયા અને મેહુલ ચૌહાણની ટીમોએ આ વસૂલાત ઝુંબેશ ચલાવી હતી.
આ કામગીરી દરમિયાન ગોદાલનગર, ચલા અને ડુંગરા વિસ્તારમાં ૩ બંગલા સીલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત અપનાઘર, નામધા રોડ, ટાંકી ફળિયા, એકતાનગર, રણછોડનગર અને રમઝાનવાડી જેવા વિસ્તારોમાં ૪૩થી વધુ ચાલીઓની ૧૩૨ રૂમોને તાળાં મારવાની કાર્યવાહી કરાતાં ૨૧ ચાલી માલિકોએ સ્થળ પર જ વેરો જમા કરાવી દીધો હતો. આ સિવાય વાપી, ચલા, ડુંગરા, છરવાડા અને છીરી વિસ્તારમાં ૫૬ ફ્લેટ તથા ૨૮ દુકાન-ઓફિસોને તાળાં મરાયાં હતાં, તેમજ ડુંગરા અને કરવડમાં ૪ ગોડાઉન સીલ કરાયા હતા.
પાંચ વર્ષથી વધુ જૂનો વેરો વસૂલ કરવા માટે કરાયેલી આ કાર્યવાહીમાં કુલ ૧૭૧થી વધુ મિલકતો સીલ કરીને રૂ. ૮૦ લાખ મેળવાયા હતા, જેમાં ૧૪ સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં રૂ.૩૩.૫૨ લાખની વિક્રમી વસૂલાત થઈ હતી. મિલકત સીલ કરવાની કાર્યવાહી થતાં ૬૦ થી વધુ મિલકતધારકોએ સ્થળ પર જ રૂ.૧૮ લાખનો વેરો ઓનલાઈન ભરી દીધો હતો. નાયબ કમિશનરશ્રી કિરણસિંહ રણાએ જણાવ્યું છે કે મોટા બાકીદારોને 'ધી જીપીએમસી એક્ટ' પ્રકરણ ૮ ના નિયમ ૪૧ મુજબ આખરી નોટિસો અપાઈ રહી છે. જો વેરો નહીં ભરાય તો આગામી દિવસોમાં વધુ કડક પગલાં લેવાશે અને ઉદાસીન મિલકતધારકોને મહાનગરપાલિકા તરફથી મળતી આવશ્યક સેવાઓ બંધ કરી દેવાશે. વ્યાજ અને દંડથી બચવા તેમજ વાપીના વિકાસમાં યોગદાન આપવા માટે તમામ મિલકતધારકોને પોતાનો બાકી વેરો તુરંત જમા કરાવી દેવા અનુરોધ કરાયો છે।
Tags
@#